Daniel 7

1બાબિલના રાજા બેલ્શાસ્સારના પ્રથમ વર્ષે દાનિયેલ પોતાના પલંગ પર સૂતેલો હતો ત્યારે તેને સ્વપ્ન આવ્યું અને તેના મગજમાં સંદર્શનો થયાં. પછી સ્વપ્નમાં તેણે જે જોયું હતું તે લખી નાખ્યું. તેણે ઘણી અગત્યની ઘટનાઓ લખી: 2દાનિયેલે કહ્યું કે, “રાત્રે મને થયેલાં સંદર્શનોમાં મેં જોયું તો, જુઓ, આકાશના ચાર પવનો મોટા સમુદ્રને હલાવી રહ્યા હતા. 3એકબીજાથી જુદાં એવા ચાર મોટાં પ્રાણીઓ સમુદ્રમાંથી બહાર નીકળ્યાં.

4પહેલું સિંહના જેવું હતું પણ તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં, તેની પાંખો ખેંચી લેવામાં આવી અને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું. તેને બે પગ પર માણસની જેમ ઊભું રાખવામાં આવ્યું. તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. 5વળી જુઓ બીજું એક પશુ રીંછ જેવું હતું, તે પંજો ઉપાડીને ઊભું હતું. તેના મુખમાં તેના દાંતોની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, ‘ઊભું થા અને ઘણા લોકોનો ભક્ષ કર.’

6આ પછી મેં ફરીથી જોયું. ત્યાં બીજું એક પશુ હતું, ચિત્તાના જેવું દેખાયું. તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી, તેને ચાર માથાં હતાં. તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો. 7આ પછી રાત્રે મેં મારા સ્વપ્નમાં ચોથું પશુ જોયું. તે ભયાનક, ડરામણું અને ઘણું બળવાન હતું. તેને મોટા લોખંડના દાંત હતા; તે ભક્ષ કરતું, ભાંગીને ટુકડેટુકડા કરતું હતું અને બાકી રહેલાઓને પોતાના પગ નીચે કચડી નાખતું હતું. તે બીજા પશુઓ કરતાં અલગ હતું અને તેને દસ શિંગડાં હતાં.

8જ્યારે હું એ શિંગડાં વિષે વિચાર કરતો હતો તેવામાં, મેં જોયું તો, જુઓ તેઓની મધ્યે બીજું નાનું શિંગડું ફૂટી નીકળ્યું. અગાઉના ત્રણ શિંગડાં મૂળમાંથી ઊખડી ગયાં. આ શિંગડામાં મેં માણસની આંખો જેવી આંખો અને મોટી બાબતો વિષે બડાઈ કરતું મુખ જોયું.

9હું જોતો હતો ત્યારે,

સિંહાસનો ગોઠવવામાં આવ્યાં,
એક ખૂબ વૃદ્ધ માણસ તેના પર બેઠો હતો,
તેનાં વસ્ત્રો હિમ જેવાં સફેદ હતાં,
તેના માથાના વાળ શુદ્ધ ઊન જેવા હતાં.
તેનું સિંહાસન અગ્નિની જ્વાળારૂપ હતું,
તેનાં પૈડાં સળગતા અગ્નિનાં હતાં.

10તેમની આગળથી ધગધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો.

હજારોહજાર લોકો તેમની સેવા કરતા હતા
લાખો લોકો તેમની આગળ ઊભા હતા.
ન્યાયસભા ભરાઈ હતી, પુસ્તકો ખોલવામાં આવ્યાં હતાં.

11પેલું શિંગડું બડાઈની વાતો કરતું હતું તે હું જોતો હતો, એટલામાં તે પશુને મારી નાખવામાં આવ્યું. તેનું શરીર નાશ પામ્યું, તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયું. 12બાકીનાં ચાર પશુઓનો રાજ્યાધિકાર છીનવી લેવામાં આવ્યો, પણ તેઓને લાંબા સમય સુધી જીવતાં રહેવા દેવામાં આવ્યાં.

13તે રાત્રે મારા સંદર્શનમાં,

મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ઊતરતો મેં જોયો.
તે વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો,
તેમની સમક્ષ હાજર થયો.
14તેને સત્તા, મહિમા તથા રાજ્યાધિકાર આપવામાં આવ્યો,
જેથી બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષા બોલનારાઓ તેને તાબે થાય.
તેની સત્તા સનાતન છે તે કદી લોપ થશે નહિ,
તેનું રાજ્ય જે કદી નાશ નહિ પામે.

15હું દાનિયેલ, મારા આત્મામાં દુઃખી થયો, મારા મગજમાં મેં સંદર્શનો જોયાં તેનાથી હું ભયભીત થયો. 16ત્યાં ઊભા રહ્યા હતા તેઓમાંના એકની પાસે જઈને મેં તેને કહ્યું કે, આ બાબતનો અર્થ શો છે તે મને બતાવ.

17‘આ ચાર મોટા પશુઓ ચાર રાજાઓ છે, તેઓ પૃથ્વી પર ઊભા થશે. 18પણ પરાત્પરના સંતો રાજ્ય મેળવશે અને તેઓ સદા સર્વકાળ સુધી રાજ કરશે.’

19પછી મેં ચોથા પશુનું રહસ્ય જાણવાની ઇચ્છા પ્રગટ કરી, તે બીજા બધા કરતાં જુદું હતું, તેના લોખંડના દાંત અને પિત્તળના નખ ઘણા ભયંકર હતા; તે લોકોને ભક્ષ કરતું, ભાંગીને ટુકડા કરતું, બાકી રહેલાને તેના પગ તળે કચડી નાખતું હતું. 20વળી તેના માથા પરનાં દસ શિંગડાં તથા બીજા શિંગડાં આગળ પેલા ત્રણ શિંગડાં પડી ગયાં તેના વિષે જાણવાની મને ઇચ્છા હતી. જે શિંગડાને આંખો તથા બડાશ મારતું મુખ હતું, જે બીજા શિંગડાં કરતાં મોટું દેખાતું હતું, તેને વિષે પણ જાણવાની ઇચ્છા દર્શાવી.

21હું જોતો હતો, ત્યાં તો તે શિંગડું પવિત્ર લોકોની વિરુદ્ધ યુદ્ધ કરવા લાગ્યું, તેઓને પરાજિત કરતું હતું. 22પેલો વયોવૃદ્ધ આવ્યો, પરાત્પરના સંતોને ન્યાય આપવામાં આપ્યો. પછી સમય આવ્યો કે સંતોને રાજ્ય પ્રાપ્ત થયું.

23તે વ્યક્તિએ ચોથા પશુ માટે આ પ્રમાણે કહ્યું, ‘કે,

તે પૃથ્વી પર ચોથું રાજ્ય છે
તે બીજાં બધાં રાજ્યો કરતાં જુદું હશે.
તે આખી પૃથ્વીને ભક્ષ કરી જશે,
તેને કચડી નાખશે
ભાંગીને ટુકડે ટુકડા કરી નાખશે.
24તે દસ શિંગડાં એટલે
આ રાજ્યમાંથી દસ રાજાઓ ઊભા થશે,
તેમના પછી બીજો રાજા ઊભો થશે. તે અગાઉનાં કરતાં અલગ હશે, તે ત્રણ રાજાઓને જીતશે.

25તે પરાત્પરની વિરુદ્ધ બોલશે.

પરાત્પર ઈશ્વરના પવિત્રો પર જુલમ કરશે,
ધાર્મિક ઉત્સવોમાં તથા નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે.
એક વર્ષ માટે, બે વર્ષ માટે તથા અડધા વર્ષ માટે
આ બાબત તેના હાથમાં સોંપી દેવામાં આવશે.
26પણ ન્યાયસભા ભરાશે,
તેઓ તેનું રાજ્ય છીનવી લેશે
અને અંતે તેનો સંપૂર્ણ નાશ થશે.

27રાજ્ય તથા સત્તા,

આખા આકાશ નીચેના રાજ્યોનું માહાત્મ્ય,
લોકોને સોંપવામાં આવશે
જે પરાત્પરના પવિત્રોનું થશે.
તેમનું રાજ્ય સદાકાળનું રાજ્ય છે,
બીજા બધાં રાજ્યો તેમને તાબે થશે અને તેમની આજ્ઞામાં રહેશે.’

અહીં આ બાબતનો અંત છે. હું, દાનિયેલ, મારા વિચારોથી ઘણો ભયભીત થયો અને મારા ચહેરાનો દેખાવ બદલાઈ ગયો. પણ આ વાત મેં મારા હૃદયમાં રાખી.”

28

Copyright information for GujULB